Navneet Samarpan

NAVNEET SAMARPAN

SUBSCRIBE
THE PRINT EDITION

   What Others Say.... (પ્રતિભાવ)  

'નવનીત સમર્પણ'... ગુજરાતનાં નાનાં-મોટાં ગામોમાં અને જગતનાં દૂર-સુદૂર સ્થાનોમાં વસનારી ગુજરાતી-ભાષી પ્રજાને ભારતીય વિદ્યા ભવને આપેલી એક મહામૂલી ભેટ છે અને એ અનોખી પ્રજાના વિજ્ઞાનમય સૂક્ષ્મ શરીરનું ભવને કરેલું ઝાઝેરું જતન છે.

સિતાંશુ યશશ્ચંદ્ર
(વિદ્વાન કવિ, વિવેચક, સંપાદક)


હું ‘નવનીત’નો એના આરંભકાળથી જ પ્રશંસક રહ્યો છું એટલું જ નહીં, પણ એમાં કૃતિ મોકલવાનું મને હંમેશાં ઉત્કટ મન થાય છે અને જ્યારે તે તેમાં પ્રગટ થાય છે ત્યારે હું એક જાતના પ્રહર્ષ અનુભવું છું. હું આ માસિકમાં છેક શ્રી હરીન્દ્ર દવે તંત્રી હતા ત્યારથી લખતો આવ્યો છું તે હવે શ્રી દીપક દોશી તંત્રીપદે છે ત્યારેય એમ કરવાનું મારું સૌભાગ્ય સમજું છું. આમ જોઈએ તો ‘નવનીત સમર્પણ’ એક સંપૂર્ણ માસિક જેવું પ્રકાશન છે; એમાં ભિન્નરુચિને ભાવતો રસથાળ પીરસાય છે. આરંભમાં જ આપણી અધ્યાત્મસમૃદ્ધિ, રહસ્યમય તાત્ત્વિક અનુભૂતિનું નિદર્શન હોય છે. તો અંત ભાગમાં આધુનિક વિજ્ઞાનની કોઈ વાત હોય છે. મૂળ વાલ્મીકિ રામાણયના હપ્તાવાર શ્લોકો એના અર્થ સાથે પ્રગટ થાય છે, શ્રી દિનકર જોશીની તથા શ્રી ધ્રુવ ભટ્ટ જેવા આધુનિક નવલકથાકારોની નવલકથા પણ હપ્તાવાર પ્રગટ થાય છે. કાવ્યવિભાગ તો ‘સમર્પણ’નો જ. તેનો દીપોત્સવી અંક તો ખરેખર જોવા જેવો હોય છે. એમાં આવતો ‘કાવ્યવિભાગ’તો જો એ જુદો કરી પ્રગટ કરીએ તો એક સારું સરખું સ્વતંત્ર વાર્ષિક ચયન થઈ શકે એવું પુનઃ પુનઃ વાચનક્ષમ પ્રકાશન બની શકે તેવું માતબર હોય છે. એમાં અખિલ ગુજરાતની સિદ્ધહસ્ત કલમો રજૂ થતી હોય છે. મારા જેવા કેટલાક વાચકો તો સૌપ્રથમ એ જ વિભાગ વાંચે છે ને વાગોળે છે. આ બધું ગંભીર ગણીએ તો હળવા હાસ્યરસની બે કોલમો અંત ભાગમાં આવે છે જે અંકને સમતોલ બનાવે છે. હું તો તરત જ છેલ્લું પાનું પ્રથમ વાંચું છું. ‘હાસ્યેન સમાપયેત.’ હા, હું હાસ્યથી સમાપન કરતો નથી, પ્રારંભ કરું છું. પ્રા. શરીફાબેન વીજળીવાળાના એસએમએસ પણ એવા જ રસ પીરસે છે. ‘શિશુમુખેથી’ વિભાગ તો વડીલોને ખૂબ વહાલો થઈ પડ્યો છે. ‘નવનીત’ના દીપોત્સવી અંકો પુસ્તકાલયોમા કાયમ સંભાળી રાખવા જેવા કીમતી નવડ્યા છે. તેનો નવલિકાવિભાગ પણ સંઘરી રાખવા જેવું વાચન પૂરું પાડે છે. આ બઘું જ શુદ્ધ જોડણીમાં હોય છે એ કેટલું આનંદપ્રદ નીવડે છે! દરેક અંક ઠીક ઠીક દળદાર હોય છે! દીપોત્સવી અંક તો ખાસ. ‘નવનીત’ એ ભારતીય વિદ્યા ભવનન ઉપક્રમે પ્રગટ થાય છે પણ તે માત્ર તે સંસ્થાના જ સમાચારનું મુખપત્ર નથી રહેતું, મુંબઈથી પ્રગટ થાય છે. પણ તે માત્ર મુંબઈગરા લેખકોનું માસિક નથી રહેતું; તે આખા ગુજરાતના જીવન અને સાહિત્યનું માસિક બની રહે છે. તે કોઈ એક વાદને વરેલું નથી; પણ તે ખુલ્લા મનનું વાહક બની રહે છે; તે આખા કુટુંબમાં વંચાય છે. ભિન્ન ભિન્ન રુચિના ભાવકને તેમાંથી કંઈ ને કંઈ રસપ્રદ મળી રહે છે. આ અર્થમાં તે એક સંપૂર્ણ જીવનનું વાચક એવું પૂર્ણ માસિક બની રહે છે એટલું જ નહીં, આપણી ભારતીય સંસ્કૃતિનું જે સારવેલું-તારવેલું ‘નવનીત’ તત્ત્વ પણ છેવટે ભાવકમાં સંચિત થાય છે એથી એનું શીર્ષક પણ સાર્થક થતું જોવામાં આવે છે. હું ‘નવનીત’ને તેની સુવર્ણજયંતી નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું ને એને ‘શતાબ્દી’ તરફ જવા શુભેચ્છા પાઠવું છું. સ્વીકારશો.

ઉશનસ્ (કવિ)


બંગાળ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં ચાર રાજ્યોના લોકોમાં વાચનશોખ સારી રીતે વિકસ્યો છે. તેમની સરખામણીમાં ગુજરાત ઊણું ઊતરે. ગુજરાતીઓમાં વાચનરુચિ ઓછી છે. મૂલ્યનિષ્ઠાને આંચ આવવા દીધા વિના લોકપ્રિયતા મેળવીને અડધી સદી સુધી વિવિધ વિષયોની ઉચ્ચ કક્ષાની વાચનસામગ્રી આપીને માસિક ચલાવવું આસાન નથી. 'સમર્પણે' આવી આદરપાત્ર સિદ્ધિ મેળવી છે એટલું જ નહીં, પણ તે ઉત્તરોત્તર પ્રગતિ પણ કરતું રહ્યું છે. 'સમર્પણ'નો આવિષ્કાર જ ઊંચી રસવૃત્તિને પોષે અને આમજનતામાં તેને વિકસાવે તે માટે થયો છે. વિના સંકોચે કહી શકાય કે તેના સંપાદકોએ આ હેતુ ચરિતાર્થ કરી બતાવ્યો છે. યશસ્વી રીતે અડધી સદી પૂરી કરી હોય તેવાં માસિકો હાલમાં ગુજરાતમાં કેટલાં? આંગળીના વેઢે ગણાય એટલાંય નહીં. 'સમર્પણ' નવેમ્બરમાં પોતાની યશસ્વી કારિકર્દીની અડધી સદી પૂરી કરીને આગેકૂચ કરે છે તેનો આનંદ છે. ઉત્તરોત્તર તે પ્રગતિ કરતું રહે, નવાં નવાં શિખરો સર કરતું રહે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

લાલસિંહ રાઓલ (પક્ષીવિદ્)


'નવનીત સમર્પણ'ને એની સુવર્ણજયંતીના અવસર પર હાર્દિક શુભેચ્છા પાઠવું છું. લગભગ દોઢેક દાયકાથી હું 'નવનીત સમર્પણ'નો નિયમિત વાચક રહ્યો છું અને રસ પડતાં 'નવનીત સમર્પણ'ના દોઢ દાયકા પહેલાંના કેટલાક જૂના અંકો મેળવીને વાંચ્યા છે. એક વૈવિધ્યલક્ષી – ડાયજેસ્ટ પ્રકારના સામયિક તરીકે 'નવનીત સમર્પણ'ને જોતાં હું એમાંની સાહિત્યિક ગુણવત્તાને ઘણુંખરું પામ્યો છું. મારી ગરજે મળેલી એ 'પ્રાપ્તિ' બદલ મને આનંદ છે. ખાસ કરીને કવિતા, વાર્તા, નિબંધ, ધારાવાહિક નવલકથા ઉપરાંત ઈતર વાચને પણ મારાં રસરુચિને હંમેશાં સંકોર્યાં છે. 'નવનીત સમર્પણ'ની કવિતા અને વાર્તા મને વિશેષ આકર્ષે છે અને ખાસ કરીને એ બે સ્વરૂપ અન્ય સ્વરૂપની તુલનામાં વધુ ભાવતા હોય એવું બને. પણ એનું કારણ મને 'નવનીત સમર્પણ'ના દૃષ્ટિસમ્પન્ન સંપાદનમાં સાંપડ્યું છે. સંપાદનદૃષ્ટિને સરાણે ચડાવતી કૃતિઓનું આવી મળવું એ પણ એક કારણ. હરીન્દ્ર દવે, કુન્દનિકા કાપડીઆ, ઘનશ્યામ દેસાઈ અને તમારા સંપાદનતળે પ્રગટેલાં 'નવનીત સમર્પણ'ની તુલના કરતાં-અછડતી તુલના કરતાં લાગ્યું છે કે બધાં સંપાદકોએ એમની સંપાદનદૃષ્ટિની વિવિધતા-વિશિષ્ટતાથી 'નવનીત સમર્પણ'ના પુષ્પને સુગંધિત તો રાખ્યું છે, ઉપરાંત એટલું તાજુંય રાખ્યું છે કે એમાં સંપાદકના ગૃહીતો વા ઉત્તર-પૂર્વ-ગ્રહોની વૈયક્તિક છાપ ન ઊપસે. 'નવનીત સમર્પણ'ને મળેલા ઉમદા સંપાદકોએ સામયિકની ઓળખમાં પોતાની ગુરુતાને ગૌણ ગણી છે એ કોઈ પણ સામયિકને અપેક્ષિત હોય, એમાં સામયિકનું ગૌરવ પણ હોય. નવા સર્જકોને-આશાસ્પદ રચનાઓને ઉમળકાભેર સ્થાન આપવું અને નીવડેલા સર્જકો પાસેથી ઉત્તમ કઢાવવું એ આ સામયિકની વિશેષતા રહી છે. છેલ્લા દાયકાના કેટલાક આશાસ્પદ સર્જકો 'નવનીત સમર્પણ'નાં પાને ઓળખ પામ્યા છે તો કેટલાક નીવડેલા સર્જકો પુનઃ ઉત્તમ સર્જન સક્રિયતા દાખવી રહ્યા છે. સુંદર કવિતા-વાર્તા 'નવનીત સમર્પણ'ની આગવી ઓળખ છે. તમને એ જાણીને આનંદ થશે કે ગુજરાત સાહિત્ય પરિષદ પ્રકાશિત 'ગુજરાતી કવિતાચયન 2004' (સં. નીતિન વડગામા)માં ચયન પામેલી ને 13 સામયિકોમાંથી પસંદ થયેલી 100 જેટલી કવિતાઓ પૈકી 32 કવિતાઓ તો 'નવનીત સમર્પણ'માં જ પ્રગટ થયેલી છે. તો પરિષદના એક અન્ય પ્રકાશન 'ગુજરાતી નવલિકાચયન 2007' (સં. હિમાંશી શેલત)માં 20 જેટલાં સામયિકોમાંથી પસંદ થયેલી 18 વાર્તાઓ પૈકી 11 વાર્તાઓ તો 'નવનીત સમર્પણ'માં જ પ્રગટ થયેલી છે. અહીં સ્થાન સંકોચે એની યાદી નથી આપતો, પણ આ કોઈ પણ સામયિક માટે- એના સાહિત્યિક ધોરણ માટે સંતોષના પહેલા ઓડકાર સમું કહેવાય! આજે ગુજરાતી લખવા-વાંચવા બાબતે અનેક ફરિયાદો ઊઠી રહી છે. એમાંય ગુજરાતી સામયિક કે જેમાં સાહિત્ય-કલાની સરવાણી વહેતી હોય, એનો ઘરબેઠાં ગંગાનો લાભ પણ જોઈએ એટલો લેવાતો ન હોય ત્યારે 'નવનીત સમર્પણ' આશ્વાસનરૂપ છે. 'નવનીત સમર્પણ' વંચાય છે. માત્ર ખ્યાત સર્જકના રાઈટિંગ ટેબલ પર કે લાઈબ્રેરીના મેગેઝિન-સેલ્ફમાં જ નહીં, પણ રેલવે કે બસસ્ટેશનના વ્હીલર્સ બુક સ્ટોર્સ પર મળતું આ એકમાત્ર ગુજરાતી સાહિત્ય-કલા સામયિક છે એવું હું માનું છું. સસ્તી ચોપડિયું વચ્ચે મેં એનો સત્ત્વશીલ પ્રકાશ નિહાળ્યો છે. 'નવનીત સમર્પણ' સદાય ઉજમાળું રહે એવી અભ્યર્થના સાથે સૌને હાર્દિક શુભકામના પાઠવું છું.

નવનીત જાની (વાર્તાકાર)



Your Feedback is Highly Appreciated!
Ever since we have launched this Digital Samarpan, the feedbacks from our Subscribers helped us a lot in improving the appearance and to introduce new features. We request all to continue this support by giving us feedbacks regularly.